gajeravidyabhavanguj
થિયેટર એજ્યુકેશન (બાળકોનું રંગમંચ)
થિયેટર એટલે શું? તે કોના માટે છે અને તે શું કહે છે?

થિયેટર એ માનવ અનુભવોનો સંદેશાવ્યવહાર અને સંશોધન છે. તે એક એવું મંચ છે. જેમાં કળાના માધ્યમથી શૈક્ષણિક ક્ષેત્રએ ઘણી બધી રીતે વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ આપી શકાય છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા જયારે થિયેટર એજ્યુકેશન દ્વારા જ્ઞાન આપવામાં આવે છે ત્યારે બાળકોના મનમાં પ્રશ્નાર્થ પ્રક્રિયાની શરૂઆત થાય છે. આ કોણ છે? આ કેવી રીતે થાય છે? જેવા પ્રશ્નો બાળક પોતાની કલ્પના અને અનુભૂતિઓ દ્વારા વિચારવા માટે સક્ષમ બને છે.
થિયેટર બાળકોમાં શબ્દભંડોળ અને વાતચીત કરવાની કળાને વિકસાવે છે. બાળકો નાટક, નૃત્ય, અભિનય અને સંગીતની કળા દ્વારા વિવિધ પ્રકારની અનન્ય રીતે વાતચીત કરવાની કળા શીખીને એક પ્રકારના ભણતરનો અનુભવ કરે છે.
“કરમાય ના કદી ફૂલડાં, એવો બગીચો છે અહી મારી પાસમાં,
હંમેશા ખીલતા ને મહેકતા, મે ફૂલડાં જોયા છે રંગભૂમિના મંચ પર”

થિયેટર એજ્યુકેશન પધ્ધતિ દ્વારા બાળકોને જુદા જુદા નાટકો અને મ્યુઝિકલ સાધનો દ્વારા વિવિધ પાઠની સમજ આપે છે. જેનાથી બાળક કોઈ પણ મુશ્કેલ પરીસ્થિતિને સરળ કેવી રીતે બનાવવી તે શીખી શકે છે.
બાળકો જે રીતે ટી.વી જુએ છે એ જ રીતે શાળા દ્વારા બાળકોને થિયેટર એજ્યુકેશન દ્વારા દરેક પત્રો વિશેની સમજ, કથાઓ, નાટકો, એકપાત્ર અભિનય પપેટસ, મુખ સંવાદ (મ્યુઝીકલ) વગેરે દ્વારા આપવામાં આવે છે. જેથી બાળકો પોતાના દ્રષ્ટિકોણ મુજબ પાત્ર, સ્થાન, બોધ વગેરેની સમજ મેળવે છે.

રંગભૂમિએ એકમાત્ર એવું મુલ્યવાન સ્થળ છે. જ્યાં બાળકોને વિકસાવવા, વિચારવા અને રમવા માટે પોતાની કલ્પનાનું મોકળું મેદાન મળે છે, જ્યાં બાળકો પોતાની કલ્પના શક્તિઓની અનંત શક્યતાઓ મુજબ શૈક્ષણિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમાં વર્ગખંડની બંધિયાર દીવાલો કે રૂઢીવાદી શિક્ષણ પ્રણાલીનું કોઈ અસ્તિત્વ નથી.
બાળકોને નાનપણથી જ સીમાઓમાં બાંધી રાખવા એ યોગ્ય નથી શૈશવ એ ઈશ્વરનું વરદાન છે.

બાળકોના સર્વાંગી વિકાસ માટે થિયેટર એજ્યુકેશન ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષણ સંદર્ભ અનુસાર વિશિષ્ટ નાટકોની તૈયારીથી લઇને અનુકરણ, થિયેટર રમતો, દ્રષ્ટિકોણના ઉપયોગ સુધી બાળકોની વ્યક્તિગત અને સામાજીક કુશળતા વિકસીત કરતી વખતે તેમની સર્જનાત્મક અને અર્થસભર ક્ષમતાઓને પ્રોત્સાહિત કરવા મહત્વની ભૂમિકા ભજવે છે. થિયેટર એજ્યુકેશન દ્વારા બાળક નિયંત્રિત વાતાવરણમાં સહાનુભુતિનો ઉપયોગ કરીને લાગણીઓને નાટક દ્વારા અનુભવે છે જે તેની શૈક્ષણિક પ્રક્રિયામાં સહાયક બને છે.

થિયેટર એજ્યુકેશન બાળકોના શિક્ષણને હકારાત્મક, આનંદદાયી અને સરળ બનાવે છે. જેનાથી બાળકો એકરસ બની પ્રવૃતિમય રહે છે.