top of page
  • Writer's picturegajeravidyabhavanguj

તહેવારની ઉજવણી એવી રીતે કરીએ કે પર્યાવરણ અને પરંપરા બંને જળવાય…

‘વિદાય લેતી વસંત અને ગ્રીષ્મનો પગરવ એટલે હોળી.’


“उत्सवप्रिय: जना:| લોકો ઉત્સવપ્રિય હોય છે.”

ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈને કોઈ સંસ્કૃતિ, ધાર્મિક, સામાજિક કે રાજકીય મહત્વ જોડાયેલું છે. રોજીંદા અને સતત શ્રમથી માનવજીવન કંટાળા સ્વરૂપ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. તહેવારો માનવજીવનને જીવવા યોગ્ય એક અમૃતત્વ અને સંજીવની છે. દરેક તહેવારોની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા હોય છે.

દરેક તહેવાર તેની વિધિ અને પરંપરા સાથે સમાજ,દેશ અને રાષ્ટ્ર માટે કઈક વિશેષ સંદેશ પણ આપે છે. આપણા તહેવારો આપણી ભારતીય સંસ્કૃતિક પરંપરા અને સભ્યતાને પ્રતિક છે. દિવાળી એટલે આશા,ઉલ્લાસ અને નવચેતનનું પર્વ, રક્ષાબંધનનું પાવન પર્વ ભાઈ બહેનના પવિત્ર પ્રેમની યાદ અપાવે છે. હોળી આપણને સંદેશ આપે છે કે પરસ્પર કઠોરતાને ભૂલીને દુશ્મનોને પણ પ્રેમ કરીએ. નાતાલનો પર્વ જીવદયા તો ઈદ એ ભાઈચારાનો સંદેશ આપે છે.

“અપના સચ્ચા ધર્મ નિભાએ, પેડ બચાકર કર્તવ્ય નિભાએ.”

કાકા સાહેબ કાલેકરના શબ્દોમાં કહીએ તો “તહેવારો અને ઉત્સવો ધ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ. તહેવારો આપણા ભેરૂ છે.”

પણ માનવીએ ઉત્સવો અને તહેવારોને તમાશાનું સ્વરૂપ આપી દીધું છે. ખોટો ભભકો અને દેખા-દેખીએ પ્રજાના જીવનને અને પર્યાવરણને છિન્ન-ભિન્ન કરી નાખ્યું છે.

તહેવારોને મનાવવાની આપણી પદ્ધતિએ પર્યાવરણને નુકશાન પહોચાડ્યું છે.જેમ કે દિવાળીમાં રંગબેરંગી આતશબાજી ધ્વારા વાયુ પ્રદુષણ તો નવરાત્રીમાં ઘોંઘાટીયા મ્યુઝીકથી ધ્વની પ્રદુષણ ફેલાય છે. હોળી પ્રાગટ્ય માટે બેધડક વૃક્ષોનું છેદન કરવામાં આવે છે.પરંપરાના નામે જળ પ્રદુષણ એતો કાયમી બની ગયું છે.

"पानी को बचायेगे, सुखी होली मनायेगे"

તહેવારો અને ઉત્સવોની પરંપરા ટકાવી રાખવી ખુબ જ જરૂરી છે પણ સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ ખુબજ મહત્વનું પાસું છે. બધા જ નાગરિકોનું એ કર્તવ્ય છે કે,આપણે તહેવારોને સાદગી અને પવિત્રતાથી મનાવીએ, એ તત્વોનો બહિષ્કાર કરીએ કે જેનાથી સમાજની અને પર્યાવરણની ગરીમાને હાની થાય છે. દિવાળીમાં આતશબાજીની જગ્યાએ માટીના કોડિયા અને હોળીમાં વૃક્ષોના લાકડાની જગ્યાએ છાણા, કપૂર કે નકામાં લાકડાનો ઉપયોગ કરી ઉત્સવોની સાત્વિકતા અને પવિત્રતા જાળવી શકાય છે.

હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા' સાથે જોડાયેલી અસત્ય પર સત્યના વિજયની કથાને અનુલક્ષીને સાંજે લાકડા, છાણાનો ઢગલો ચારરસ્તા કે ચોક પર કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. અગ્નિને ચણા, ધાણી, ખજૂર, નારિયેળ હોમી, પાણી રેડી પ્રદક્ષિણા કરવામાં આવે છે. પરિવારોમાં જન્મેલા નાના બાળકોની પ્રથમ હોળી હોય, તેઓને હોળીના દર્શન કરાવાય છે. સવારથી સાંજ સુધી માત્ર ધાણી-ચણા અને ખજૂર ખાવાની છુટ રાખવામાં આવે છે. સાંજે હોળીના દર્શન બાદ મિષ્ટાન્ન યુક્ત ભોજન કુટુંબ-મિત્રો સાથે કરવામાં આવે છે. હોળીની પ્રદક્ષિણા દરમ્યાન અગ્નિના તાપની અસરથી શરીરમાં ખાસ કરીને ફેફસાં, સાયનસમાં જમા થયેલો કફ પીગળી અને સહેલાઈથી બહાર આવી શકે છે. સામાજિક મેળાવડાના વાતાવરણમાં આનંદદાયક વાતાવરણની મનોદૈહિક સારી અસર થાય તે પણ સ્વાભાવિક છે.

“કેસૂડાની કળીએ બેસી, ફાગણીયો લહેરાયો...,

કે આવ્યો ફાગણીયો...., રૂડો ફાગણીયો...”

આજે તો તહેવાર એટલે રજાનો દિવસ. લોકો તહેવાર પ્રત્યે નિરસ થવા લાગ્યા છે. જો આપણે આપણા તહેવારો નહિ મનાવીએ તો, આગામી પેઢી આ તહેવારો વિષે જાણશે નહી તો આ મહત્વપૂર્ણ તહેવાર કેવી રીતે મનાવશે?

તેથી અમારી શાળા દ્વારા દરેક તહેવારની ઉજવણી વિષે બાળકને પ્રત્યક્ષ સમજ આપવામાં આવે છે. જેથી બાળક પ્રકૃતિના સાંનિધ્યમાં ઈકો ફ્રેન્ડલી રીતે ઉત્સવોની ઉજવણી કરતા શીખે જેમકે, હોળીમાં કેમિકલયુક્ત રંગોની જગ્યાએ કેસુડાના ફૂલ, હળદર, પાન વગેરેની મદદથી નેચરલી રંગો બનાવતા શીખે અને પાણીનો વ્યવ ન થાય એ રીતે સાંત્વિક ઉજવણી કરે.

તહેવારો આપણી સાંસ્કૃતિક ધરોહર છે. ચાલો, સાથે મળીને તેમનું જતન કરીએ.



1,123 views0 comments
bottom of page