top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ

“અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે, જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઈશું.”

આ જ પંક્તિ ડૉ.આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતિક છે.

બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર છે. ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા. એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઈતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે.

ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.

૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.

તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી.

જૂન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ. આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.

૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.

તેથી આજરોજ અમારા બાલભવનમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઓનલાઈન વર્ગ માં બાળકોને તેમના જીવનચરિત્ર વિષે ટુકમાં સમજુતી આપી અને બાળકોને તેમનો પરિચય કરાવ્યો.

303 views0 comments

Recent Posts

See All
bottom of page