gajeravidyabhavanguj
જીવન વ્યવહાર નો અભ્યાસ સાથે સમન્વય.

આજના માનવીનું જીવન સરળ રહ્યું નથી. જીવનમાં પ્રતિસ્પર્ધાઓ વધી રહે છે. આજના માતા-પિતા પોતાના બાળકોને દરેક પ્રકારની સુખ સુવિધા પૂરી પાડે છે, જેમાં કંઈ જ ખોટું નથી. બાળકોના ઘણા કામો પણ તેમનાં માતા-પિતા કરી આપતા હોય છે. જયારે માતા પિતાને બાળકોના દરેક કામો કરી આપતા જોઉં છું, ત્યારે મને એક પ્રશ્ન થાય છે કે બાળક સક્ષમ હોવા છતાં શું આપણે બાળકોનાં દરેક કાર્યોમાં મદદ કરીને ખરેખર એનું હિત વિચારી રહ્યા છીએ? કે એને નુકશાન પહોચાડી રહ્યા છીએ?
બાળકોને અભ્યાસની સાથે-સાથે એમની રોજીંદી ક્રિયાઓ અને નાના-મોટા કામો એમની જાતે જ કરતા દઈએ તો શું ખોટું છે? ઘણાં માતા-પિતા પોતાના બાળકને કંઈ જ જાતે કરવા દેતા નથી. શું આ યોગ્ય છે? શું એક માતા-પિતા તરીકે આવું કરનાર પોતાના બાળકનો વિકાસ રુંધી તો નથી રહ્યા ને?
જે કામ આપણે આપણા બાળકને કરી દઈએ છીએ, શું એ જ કામ આપણે બાળકની સાથે રહીને બાળક પાસે જ ન કરાવી શકીએ? કયારેક અજમાવી તો જુઓ... બાળક જયારે કોઈ કાર્ય જાતે કરે છે, ત્યારે એના ચહેરા ઉપર જે આનંદ અને સંતોષ જોવા મળશે, એનો એક માતા-પિતા તરીકે તમે અનુભવ તો કરી જુઓ...

અભ્યાસની સાથે જયારે બાળક જીવનવ્યવહારના પાઠ શીખે છે. ત્યારે તે પોતાના જીવનનું પણ ઘડતર કરે છે. એક માતા તરીકે મારું બાળક જયારે એક કપ ચા કે એક ગ્લાસ લીંબુ શરબત બનાવે છે, ત્યારે હું તો એની આ કળાથી ખુશ થાઉ જ છું, પણ સાથે-સાથે મારું બાળક અનેક ગણી ખુશી અનુભવે છે. કંઈકકર્યાનો સંતોષ પ્રાપ્ત કરે છે.
એક શિક્ષક તરીકે મેં કરાવેલી કેટલીક પ્રવૃતિની ઝાંખી અહીં પ્રસ્તુત કરી છે. જેમકે લીંબુ શરબત બનાવવું, પરબીડિયું બનાવવું વગેરેપ્રવૃત્તિ કરાવતી વખતે બાળકોને મીઠી ટકોર કરી કે તમારા પરિવારના સભ્યોને પણ લીંબુ શરબત બનાવીને પીવડાવજો. ખાસ કરીને તમારા મમ્મીને અને મને વિશ્વાસ છે કે બાળકે બનાવેલ શરબત પી ને મમ્મીના મુખ પર એક પ્રેમાળ સ્મિત જરૂરથી આવ્યું હશે.