gajeravidyabhavanguj
જીવન જીવવાની શ્રેષ્ઠ કળા યોગ છે
આજની ઝડપી ગતિ જીવનમાં આવી ઘણી ક્ષણો છે. જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણા કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે, જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે. આવી સ્થિતિમાં જીવનને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા યોગએ રામબાણ દવા છે, જે મનને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. જીવનની ગતિ યોગથી સંગીતની ગતિ પ્રાપ્ત કરે છે.
=> યોગનું મહત્વ
યોગ શરીર અને મન બંનેનું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. નિયમિત યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે. વિદ્યા અભ્યાસની સાથે સાથે સતત સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતામાં સહજ રીતે વધારો થાય છે. જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે. તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે.
યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ એક જીવન જીવવાની કળા છે. તેથી જ ઓશોએ કહ્યું છે કે,”ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે. અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે.”
જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી વગેરે ગુણો જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણા આવા ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણો પ્રાણ બળવાન હોવો જોઈએ પ્રાણાયમથી પ્રાણ બળવાન થાય છે. માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ.
જ્ઞાનપ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ જ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાઓ બધા જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર છે. આસનો કરવાથી કરોડ સ્થિતિસ્થાપક બને છે.