top of page
  • Writer's picturegajeravidyabhavanguj

જીવનનો શણગાર એટલે માનવતા.


“બીજાનું દુખ જોઈ જયારે હૈયું દુભાય ત્યારે માનવ હદયમાં માનવતાનું ઘડતર થાય.”

માનવ ખુબ સંવેદનશીલ છે. તે પોતાની ખુશીઓ અને દર્દ, ગમા-અણગમા, સ્નેહ-તિરસ્કાર જેવા સંવેદનો બીજા સાથે આપ-લે કરે છે. મન-વચન-કાયા બીજાને માટે વાપરવા એ જ મનુષ્ય જીવનનો સાચો ધ્યેય છે. માનવતાનો સાચો અર્થ સમજાય અને જીવનમાં વણાઈ

જાય ત્યારે માનવીનો અવતાર સાર્થક થયો કહેવાય. અનેક જન્મો પછી મળેલ મનુષ્ય અવતાર સર્વ અવતારોમાં શ્રેષ્ઠ ગણાય છે. કુદરતે બુદ્ધિ આપીને માનવીને સારા નરસાનું ભાન કરાવ્યું છે.

આપણી ગુજરાતી ભાષામાં કહેવાયું છે કે “હું માનવી માનવ થાઉં તોય ઘણું” જે માનવતાનો મહિમા બતાવી જાય છે. માનવતા એ ઈશ્વરીય દેન છે. જેમકે,

કોઈક વ્યક્તિ મુસીબતમાં હોય અને તે સમયે તમે એ વ્યક્તિને મદદ કરો ત્યારે તમે સાચી માનવતા દાખવી કહેવાય અને તે વ્યક્તિ તમને ઈશ્વરનો દરોજ્જો આપે છે.

માનવસમુદાયમાં લગભગ બધા જ માણસો કોઈને કોઈ કારણસર દુઃખી હોય છે. આ બધામાંથી જે

લોકો પોતાના દુખ દુર કરી શકતા નથી તેવા દીન-લાચાર દુઃખીને યથાશક્ય સહાયરૂપ થવું તે જ ખરી માનવતા છે. ભૂખ્યા માણસ કે પ્રાણીઓની ભૂખ દુર કરવી એ પણ માનવતા જ છે. ઘણી પ્રતિભાઓ એવી વેલીઓ જેવી હોય છે. જે વાડ વિના ચઢી શક્તિ નથી આવી પ્રતિભા-વેલી માટે વાડ બનવું એ પણ માનવતા જ છે. કુદરતી આપત્તિ સમયે યથાશકય લોકોની વ્હારે દોડવું અને લોકોને રાહત આપવી તે પણ માનવતા જ છે.

“માનવ જીવનમાં સારામાં સારો સંસ્કાર એટલે માનવતા.”

માનવીમાં માનવતાવાદી વિચારસરણીનો વ્યાપ જળવાય રહે તે માટે ૧૯મી ઓગષ્ટના દિવસે “વિશ્વ માનવતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. યુએનના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએશ ડી મેલો અને તેના ૨૧ સાથી

માનવતા ચિકિત્સકોના મોતને યાદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા ૧૯મી ઓગષ્ટના દિવસે વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ માનવતાવાદી દિવસ એ આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે માનવતાવાદી કર્મચારીઓને અને માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવનારાઓને સન્માન આપવા માટે સમર્પિત છે.

માનવની અંદરથી જો માનવતા નીકળી જાય તો માનવ અને દાનવ વચ્ચે કોઈ ફરક જ ન રહેશે. જયારે પણ માનવ પર કોઈપણ મુસીબત આવે છે. ત્યારે માણસની માણસાઈ જ મુસીબતને હરાવી શકે છે.

આ માનવતા ફક્ત માનવપૂર્તિ માર્યાદિત ન રહેતા પશુઓ અને પંખીઓ પ્રત્યે પણ દર્શાવવી જોઈએ. બાળકો આપણું ભવિષ્ય છે. જો તેઓ તેમના આસપાસના પ્રાણીઓ સાથે દયાશીલ બનશે તો નૈતિક મુલ્યોનું આપમેળે જ સિંચન થશે.

“અહિંસા સાથે પ્રેમ, દયા અને કરુણા એટલે સાચો માનવધર્મ”

બાળકોમાં નાનપણથી જ દયાભાવના વિકસે તે માટે આજરોજ અમારા બાલભવનમાં ‘વિશ્વ માનવતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને માનવતા દર્શાવતી નાની-નાની નાટ્યકૃતિ શિક્ષકો દ્વારા રજુ કરવામાં આવી.

ગજેરા ટ્રસ્ટ દ્વારા સંચાલિત “વાત્સલ્યધામ” જ્યાં હજારો નિરાધાર બાળકોને આશ્રય આપી તેમને શૈક્ષણિક તેમજ અન્ય જરૂરીયાતોને પૂરી પાડી તેમના જીવને એક નવી દિશા આપવામાં આવે છે. માનવતાનું આ ઉત્તમ ઉદાહરણ બાળકોને પ્રોજેક્ટર દ્વારા બતાવી તેની સમજ આપવામાં આવી. બાળકોએ પણ વિશ્વ માનવતા દિવસની ખુબ જ સુંદર ઉજવણી કરી તેમજ બાળકો ગરીબ વ્યક્તિ તેમજ પશું-પક્ષીને મદદ કરી હોય તેવા ફોટા અને વિડીયો વર્ગશિક્ષકને મોકલાવ્યા હતા.

“નિસ્વાર્થ ભાવે કરતી સેવા એ જ સાચી માનવતા”

142 views0 comments
bottom of page