gajeravidyabhavanguj
જંગલોનું ઘરેણું એટલે વન્યપ્રાણીઓ

"વુક્ષો આપણા મિત્રો સાચા, ભલે ના હોય એને વાચા,
અર્પે શ્વાસ અમુલ્ય રતન, કરશે રક્ષણ એ વન્યસૃષ્ટિનું,
પશુ-પક્ષીઓ ફરે મુક્ત બની, છે સલામત રહેઠાણ સમજી"
વન્યજીવ પણ પર્યાવરણનો અભિન્ન અંગ છે. દુર્લભ પ્રાણીઓ પ્રત્યે માનવમાં પ્રેમ, સંવેદના અને દયાભાવ ઊભો થાય તેમજ વન્યજીવો વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી માટે 'વિશ્વ વન્યજીવન દિવસ' સૌ જીવોના સહઅસ્તિત્વની ઉજવણીનો અવસર છે. શિકાર, જંગલોના નાશ અને પ્રદૂષણ સહિતના માનવીય પરિબળોને કારણે વન્ય જીવોના અસ્તિત્વ સામે પડકાર ઉભો થયો છે. પ્રકૃતિના કલ્યાણ માટે વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા વિનાશના આરે લુપ્ત થતા વન્યપ્રાણી સૃષ્ટિની સુરક્ષા કરવા આપણે સૌ કટિબદ્ધ છીએ. પાલતુ ન હોય તેવા બધા જ પ્રાણીઓ અને જેની ખેતીવાડી ન થતી હોય તેવી બધી જ વનસ્પતિઓ તેમજ સૂક્ષ્મ જીવોને વન્યજીવો કહેવામાં આવે છે તે નિવસનતંત્રમાં આહારજાળની અગત્યની કડીઓ છે.
"વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે સાથે ફૂલોની છે વનસ્પતિ..."
શ્રી ઉમાશંકર જોશીની પંક્તિઓ આપણને થોડામાં ઘણું કહી જાય છે કે એકલો માણસ જ અહીં રહેતો નથી પણ બીજા ઘણા જીવો પણ અહીં વસવાટ કરે છે. માનવી બુદ્ધિશાળી હોવા છતાં કુદરતી શૃંખલાને સીધી રીતે અને આડકતરી રીતે નુકસાન કરી રહ્યો છે. માનવી પોતાના લાભ અને સ્વાર્થ ખાતર કુદરતી સંપત્તિને ખલેલ પહોંચાડી છે. સતત વધતું પ્રદૂષણ વાતાવરણ પર એ રીતે વિપરીત અસર કરી રહ્યું છે કે જેના ખરાબ પરિણામ તરીકે જીવ-જંતુઓ અને વનસ્પતિઓ તથા પ્રાણીઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે.
તેથી જ વિશ્વભરમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની લુપ્ત થતી પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૩ માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. બાળકોના નાશવત થઈ રહેલા પ્રાણીઓથી પરિચિત થાય તે માટે અમારા બાલભવનમાં ‘વિશ્વ વન્યજીવન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે બાળકોએ વાલી પ્રોજેક્ટ દ્વારા વિવિધ પ્રાણીઓના માસ્ક બનાવ્યા હતા અને તે પહેરીને આવ્યા હતા. એસેમ્બલી દ્વારા બાળકોને વન્ય જીવોનો પરિચય આપી તેમને નુકસાન ન કરવું જોઈએ તે અંગે સમજ આપી અને પપેટ્સ શો દ્વારા બાળકોને મનોરંજન કરાવ્યું તેમજ બાળકોએ જંગલી પ્રાણીઓ બની અભિનય કર્યુ.
"વન્યજીવો વગર પ્રકૃત્તિ અધુરી છે."