gajeravidyabhavanguj
જય જય ગરવી ગુજરાત (ગુજરાત સ્થાપના દિવસ)
" લાંબો ડગલો, મુછો વાંકડી, શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી,
તન છોટું, પણ મન મોટું ,ખમીરવંતી જાતી,
અરે ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી
ભાઈ છેલ છબીલો ગુજરાતી........."

ગરબા, ગાંઠીયા, ખાખરા, થેપલા, ઢોકળા, મનમોજીલા અને ખમીરવંતી ગુજરાતી પ્રજા આ તમામ વસ્તુઓ જેની ઓળખ છે એ છે આપણું ગુજરાત.
ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને “પશ્ચિમ ભારત નું ઘરેણું" પણ કહેવાતું હતું.
ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઈ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી આ રાજ્ય સૌરાષ્ટ્ર ,કચ્છ અને મુંબઈ હતા. ત્યારબાદ બૃહદ મુંબઈ રાજ્યની રચના થઈ જેમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો રહેતા હતા."મહા ગુજરાત આંદોલન" અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧લી મે ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ માં બે મોટા નેતાઓની ભેટ આપેલ છે.(૧) મહાત્મા ગાંધી અને(૨) સરદાર વલ્લભભાઈ પટેલ. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને દેશને આઝાદી અપાવી અનેસરદાર વલ્લભભાઈ પટેલે દેશને વિવિધતામાં એકતા દ્વારા અખંડ ભારતની રચના કરી.
" ઉત્તરે ઈડરિયો ગઢ ભલો ,દખ્ખણે દરિયાની અમીરાત,
ખમીર જેનું ખણખણે ,એ છે ધમધમતું ગુજરાત."
ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે. અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.
" કાઠિયાવાડમાં તુ કોક દિ ભુલો પડ ને,
તને સ્વર્ગ રે ભુલાવુ મારા શામળા."
ગુજરાતી ભોજન મુખ્યત્વે શુદ્ધ શાકાહારી હોય છે. અને તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે.
ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે. ગુજરાતી લેખન પદ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે.
ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા ,વણાટ ,છાપકામ, કોતરણી ,કાચકામ ,ભરતકામ વગેરે.. કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઊભી કરી છે. ભવ્ય કળા અને કારીગરી નો વારસો ગુજરાતને મળેલો છે. સ્થાપત્ય કલાની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરૂં નજરાણું છે.

ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે. ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય(ગરબા) માટે ખાસ્સું જાણીતું છે.
ગુજરાતના તહેવારો અને મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.
આવો આપણે પણ સહભાગી થઇ આપણા રાજ્યને સફળતાના શિખરે કાયમ રહે તેવો સંપૂર્ણ પ્રયત્નો કરવાના પ્રણ લઈએ...........
" કૃષ્ણની દ્વારિકા ને સાચવીને બેઠેલું જળ છું.......
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું.....
વેપાર છું,વિસ્તાર છું,વિખ્યાત છું.......
હા.......હું ગુજરાત છું.....!!!!"
આજ રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અમારા બાળ ભવનમાં બાળકોને ઓનલાઈન ક્લાસમા નાટ્ય કૃતિ દ્વારા ગુજરાતની વર્ચ્યુઅલ મુલાકાત કરાવવામાં આવી હતી, જેને મોટી સંખ્યામાં બાળકો એ નિહાળ્યુ હતું.
" ગુજરાત સ્થાપના દિન ની આપ સૌને હાર્દિક શુભેચ્છા."
" જય જય ગરવી ગુજરાત....... જય જય ગરવી ગુજરાત....."