gajeravidyabhavanguj
જગત નો તાત - ખેડૂત

”જગત પાંગળુ તાત વિના, એ તો સર્વત્ર અન્ન તણો દાતાર,
જગત કેરા નાથનો ઘણો ઘણો આભાર”
પ્રાચીનકાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. જઠરાગ્રિ શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સુધી તેનું આશ્રય સ્થાન રહી તેનો મોટો ભાગ ખોરાકની શોધમાં જ વ્યતિત થતો રહ્યો. ત્યાર પછી ક્રમિક રીતે ભટકતું જીવન ગુજારતા માનવના સ્થિર થવાના પ્રયત્ન શરુ થાય છે. આદિમાનવ થી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો. તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી દેશના સર્વાગી વિકાસનો આધાર ખેતી ક્ષેત્રના વિકાસ ઉપર નિર્ધારિત છે. ખેતી અને પાણી એકબીજા સાથે સંકળાયેલા છે એટલે જ મનુષ્યએ પોતાની સંસ્કૃતિઓને, નદીઓને કિનારે વિકસાવી. કૃષિધન, પશુધન અને જ્ઞાનધન આપણી મૂળભૂત તાકાત છે. મહાકવિ કાગની એક પ્રસિદ્ધ કહેવત છે “ઉત્તમ ખેતી મધ્યમ બાન, નિષિદ્રચાકરી, ભીખનિધન..” એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર માધ્યમ, નોકરીનિષિદ્ર અને ભીખ માંગવું સૌથી ખરાબ કાર્ય છે. ખેતીમાં ખેતર તૈયાર કરવું, એમાં કોઈ વનસ્પતિ ઉગાડવી તેનો ઉછેર કરવો અને જે ઉત્પાદન મળે તેને બજારમાં લઈ જઈ તેનું વેચાણ કરવું એ મુખ્ય કાર્યો છે. ખેડૂત દેશનો અન્નદાતા છે તેથી ‘જગતનો તાત પણ કહેવાય છે” તે બીજાની ભલાઈ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે.
"દેશ ગમે તેટલો ડિજીટલ થાય પણ,
અનાજ કોમ્પ્યુટર માં ન ઉગે,
એ તો ખેડૂતના ખેતરમાં જ થાય છે"

આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમાન ચૌધરી ચરણસિંહ જેઓ જન્મજાત એક ખેડૂત હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે કેટલીક નિર્ણાયક નીતિઓ ઘડવાની પહેલ કરી હતી. તેમણે ખેડૂતો માટે ઉત્તમ ખેતી અને નવી નવી ટેકનીકથી ખેતી કરી સારી ઉપજ મેળવી શકે તે માટે ઘણાં કાર્યો કર્યા હતા. તેથી જ તેમના જન્મદિન નિમિત્તે ૨૩ ડિસેમ્બરને 'ખેડૂત દિન’ તરીકે ઉજવાવવામાં આવે છે.

એક ખેડૂતનું કાર્ય આપણા દેશના વિકાસમાં અને આપણા રોજીંદા જીવનમાં કેટલું ઉપયોગી છે. તેની સમજુતી બાળકને આપવા માટે અમારા બાલભવનમાં ‘ખેડૂત દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોને શાળામાં જ બનાવેલા ગામડાની મુલાકાત કરાવી, ગામઠી જીવન, ખેતીમાં ઉપયોગી પ્રાણીઓ, ખેતીની અવનવી પદ્ધતિની સમજ આપવામાં આવી.
ખેડૂત દિવસ ને લગતી વિવિધ એક્ટીવીટી બાળકોને કરાવી જેમકે, મેથીના દાણા વાવવા, છોડની વાવણી કરાવી હતી. બાળકો ઘરનું ખાવાનું ખાતા શીખે અને અન્નનો બગાડ નહી કરે એ માટે બાળકો ઘરેથી જ ઘઉંમાંથી બનાવેલી વાનગી નાસ્તામાં લાવ્યા હતા અને પોતાના મિત્રો સાથે નાસ્તાની મજા માણી.
"કિસાન કરે દિન-રાત પ્રયોજન,
તબ મિલે દેશકો હર દિન ભોજન.”