gajeravidyabhavanguj
ચાલો, સહિયારા પ્રયાસથી પ્રકૃતિનું નવનિર્માણ કરીએ...
" વિશાળ જગ વિસ્તારે નથી એક માનવી,
પશુ છે પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ."

માનવીએ પોતાની બુદ્ધિશક્તિ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણી બધી શોધો કરી છે. આ બધી શોધો પર મનુષ્ય ને બહુ જ અભિમાન છે. માનવીએ કુદરતના ચક્રમાં હસ્તક્ષેપ કર્યો છે. ત્યારથી કુદરત મનુષ્ય જાત પર વિવિધ કહેર વરસાવી માણસ ને પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવી રહી છે.
સમગ્ર સૃષ્ટિનું સર્જન કુદરતે કર્યું છે. આ સૃષ્ટિમાં વિવિધ નવરંગી રૂપો છે. આ સૃષ્ટિમાં સુંદરતા, અલૌકિકતા અને રમણીયતા છે, તો બીજી તરફ આ જ સૃષ્ટિમાં ભયાનક અને વિકરાળ રૂપો પણ છે. આ કુદરતે જ આપણને જીવન બક્ષ્યું છે. અને ક્યારેક આ કુદરત જ આપણા વિનાશનું કારણ પણ બની જાય છે.
કુદરત રૂઠે ત્યારે આભ ફાટવું, પૂર આવવું, સુનામી, ધરતીકંપ, રોગચાળો,વાવાઝોડું વગેરે જેવી હૈયુ કંપાવી દેય એવી ઘટનાઓનું સામ્રાજ્ય આ સૃષ્ટિ પર શરૂ થાય છે. ત્યારે મનુષ્ય સાવ પાંગળો નિ:સહાય અને લાચાર બની જાય છે.
" જે પોષતું તે મારતું, એ દિસે છે ક્રમ કુદરતી"
પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને ગ્લોબલ વોર્મિંગ અથવા વૈશ્વિક ઉષ્ણતા કહેવામાં આવે છે. ઔદ્યોગિકરણ ના પરિણામે મોટા પાયાના ઉદ્યોગો શરૂ થયા, વાહનવ્યવહારનો વ્યાપ વધ્યો, પેટ્રોલ- ડીઝલ વગેરે ધૂમાડા વાળા બળતણથી પ્રદૂષણમાં સતત વધારો થવા લાગ્યો. સૂર્યની ગરમીને ઓછી કરતા ઓઝોન વાયુના પડમાં ગાબડા પડવાની શરૂઆત થઈ. પરિણામે સૂર્યના કિરણો અને વિપરીત અસર તાપમાન પર પડી જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થયું. અને તેને કારણે હવામાન અને તાપમાનમાં ધરખમ ફેરફારો થવા લાગ્યા.
" જમીન, જળ ,વાયુ અને ધ્વનિ તણા
માનવે સર્જ્યા પ્રદૂષણ ઘણા."

અને તેનું તાદ્શ ઉદાહરણ એટલ "તૌકતે" વાવાઝોડુ. આજે ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યના ઉના કોડીનાર અમરેલી અને ગીર સોમનાથ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોટું નુકસાન પહોંચ્યું છે. જેના કારણે સૈકડો વૃક્ષ ધરાશય થઇ ગયા છે. આ વાવાઝોડાએ મનુષ્ય જાતિને તો નુકસાન કર્યું છે પણ અધધ પશુ-પક્ષીઓને પણ હાનિ પહોંચાડી છે. અસંખ્ય ઝાડ પડવાથી કેટલા અધધ પંખીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો કેટલા એ પોતાના બચ્ચાં અને રહેઠાણ (માળો )ગુમાવ્યા છે.

આજરોજ અમારા બાલભવનમાં એક્ટિવિટી ક્લાસમાં અમારા નાના બાળકોએ આ કુદરતી હોનારત માં જીવ ગુમાવેલ તમામ જીવોનીશાંતિ માટે પ્રાર્થના કરી તેમજ અત્યારના સમયમાં નારિયેળનો ઉપયોગ બહુ વધી ગયો છે. પરંતુ નારિયેળના ઉપયોગ બાદ વપરાયેલા નારિયેળમાંનું સુંદર માળો બનાવી લટકાવવામાં આવે જેથી ચકલીઓને ઉનાળાની ગરમીમાં અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળે. તેવી જ રીતે નકામી વસ્તુઓ જેમ કે બોટલ,ખોખા માંથી માળા બનાવવા જોઈએ જેથી પક્ષીઓને રક્ષણ મળી રહે.