top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ચાલો થોડું મનન કરીએ, જળનું જતન કરીએ...વિશ્વ જળ દિવસ

“आज जल बचाओगे तो कल जीवन पाओगे|”


જળ એ કુદરત તરફથી મળેલ અનમોલ ભેટ છે. ‘જળ એ જ જીવન છે’, પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવ સૃષ્ટિ માટે અમૃત સમાન છે. પાણી વગર પૃથ્વીના કોઈપણ સજીવનું જીવન સંભવ નથી. પાણી જ આપણી પૃથ્વીનું અમુલ્ય ધરોહર છે. જો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવશે અને તે દુષિત થતું રહેશે, તેનો બેફામ બગાડ થતો રહેશે તો જળ સંકટને કારણે સમગ્ર પૃથ્વી નાશ થઇ શકે છે તેથી જ સાચું જ કહેવાય છે કે- ‘जल है तो कल है’

પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઇ ત્યારથી જ પાણી ખુબ મહત્વપૂર્ણ છે તેથી આ દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ નદીને કિનારે વિકસી હતી. ભારતના મોટા ભાગના શહેરો પણ નદીને કિનારે જ આવેલા છે. આ શહેરોના વિકાસમાં નદીઓનો મહત્વનો ફાળો છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે ૨૨ માર્ચના દિવસે ‘વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આહાર શૃંખલાનો આધાર પણ અપ્રત્યક્ષ રીતે પાણી પર જ છે. આમ, તમામ જીવસૃષ્ટિ માટે પાણી ખુબ જ ઉપયોગી છે. આજના આ આધુનિક યુગના ઉધોગોને પણ વિવિધ પ્રક્રિયામાં ખુબ જ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. પાણી વગર સિંચાઈ શક્ય નથી, સિંચાઈ વગર ખેતીની ઉત્પાદકતા ઘટી જાય છે અને જગતને ભૂખમરો પણ ભરડામાં લઇ લે એવી પરિસ્થિતિ સર્જાય. ભારતની જનસંખ્યાને અનાજ ક્યાંથી ઉપલબ્ધ કરાવવું? આમ, પાણી આપણને ખુબ જ ઉપયોગી છે. તેના વગર જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે!

“जल ही जीवन है- जल के बिना

जीवन की कल्पना भी मुश्किल है|”


જળ પ્રદુષણ

પાણીની આ સમસ્યા ઉદ્દભવવાના ઘણાં બધા કારણો છે, જેમ કે ગ્લોબલ વોર્મિંગ, જંગલોનો વિનાશ, શહેરીકરણ, ઔધોગીકરણ, પ્રદુષણ, વસ્તીવધારો, ઓછો વરસાદ, પાણીનો અવિવેકપૂર્ણ ઉપયોગ તથા ભૂગર્ભ જળનું પ્રદુષણ વગેરે.

પાણીની બચત કરવા માટે આપણે આપણા ઘરોમાં ‘Water Free Urinal’ બનવા જોઈએ. જેમાંથી એક વર્ષે આશરે ૨૫૦૦૦ લીટર પાણીની બચત થઇ શકે છે. પરંપરાગત ફ્લશમાં ખુબ જ પાણીનો બગાડ થાય છે. શાળામાં શિક્ષણ દ્વારા જાગૃતતા લાવવી જોઈએ. આ સિવાય કાયદો બનાવી ફરજીયાત બધા જ ઘરોમાં આ સુવિધા બનાવવી જોઈએ. પાણી બચાવવા માટે ગામ કે શહેર તમામ ઘર કે બિલ્ડીંગ પાસે વરસાદી પાણીના સંચયની સુવિધા હોવી જોઈએ. વરસાદના વહી જતાં પાણીને ભૂગર્ભમાં મોટા ટાંકા બનાવી સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ. જે પાણીનો ઉપયોગ ચોમાસા સિવાયની ઋતુમાં કરી શકાય. આ સિવાય અગાસી પરના પાણીને પાઈપલાઈન દ્વારા બોરિંગમાં ઉતારી બોરિંગ રિચાર્જ કરવાની પણ વ્યવસ્થા ઊભી કરવી. ખેતરમાં આવેલા કુવાને પણ ચોમાસામાં વહી જતાં પાણી દ્વારા રિચાર્જ કરવાની સુવિધા હોવી જોઈએ કે વિકસાવવી જોઈએ. કુવા રિચાર્જ દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. ઘણા બધા વ્યક્તિઓએ પોતાના ઘરમાં આવી સુવિધા ઊભી કરી છે.

જંગલોને કપાતા અટકાવવા પડશે. વધુ ને વધુ વૃક્ષો વાવવા પડશે જેથી વધુ વરસાદ આવે તથા પ્રદૂષણ પણ ઘટે. વરસાદ જ પૃથ્વી પરના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જો જંગલો કપાશે તો બધી જ સમસ્યાઓ ઉદ્ભવશે. સામાજિક વનીકરણ દ્વારા વધુ વૃક્ષો નો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા પડશે.

વાસણ, કપડાં, ગાડી ધોવા માટે જે વધુ પાણી વપરાય છે તે અટકાવવું પડશે. વળી, આ વપરાયેલા પાણીનો ઉપયોગ બાગ-બગીચા કે સિંચાઈ માટે કરવો જોઈએ. જેથી પીવાલાયક પાણીની બચત થઈ શકે છે. આ ઉપરાંત પીવાલાયક પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ થાય એ અંગે જાગૃતિ લાવવી પડશે. આ કાર્યને એક અભિયાન તરીકે ઉપાડવું પડશે કારણકે વાયુ પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થવાથી વરસાદ નહિવત બન્યો છે. બીજી તરફ જમીન પ્રદૂષણને કારણે ભૂગર્ભજળ પણ દૂષિત થઈ રહ્યું છે.

આમ, સમગ્ર વિશ્વ સમક્ષ આવેલ આ જળસંકટને પહોંચી વળવા આપણા બધાના સહિયારા પ્રયાસની જરૂર છે. Reduce, Reuse, Recycle એ આપણી સાંપ્રત માનવજાતનું ધ્યેયવાક્ય બનશે તો જ આપણે આવનારી પેઢીને જીવવા યોગ્ય પૃથ્વી આપી શકીશું.

'જળ એ જ જીવન'

98 views0 comments

Recent Posts

See All
bottom of page