gajeravidyabhavanguj
ચાલો કુદરતની કેડીએ.. (River Day)
“દરિયાને લાગે છે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.”

સૌથી વધુ પરિચિત અને પૃથ્વી પર સૌથી વધુ અકલ્પનીય પદાર્થ એટલે પાણી.પાણીએ આપણને જીવવા માટે હવા,પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણીએ આપણા રોજીંદા જીવનની સાથે મિલો અને કારખાનામાં પણ વપરાય છે. પાણી વગર અનાજ
ના પાક,વનસ્પતિ ન ઉગે,પશુ-પક્ષીઓ પણ પાણી વિના ન જીવી શકે.આમ,જળ એ જીવન છે. પૃથ્વી પર મોટા ભાગના જીવો પાણી પર જ નિર્ભર છે.
“તકલીફોના તડકે, પાણી સુકવી મીઠું બનાવી દીધું,
નક્કી આ પાણીમાં શ્વાસ ભેળવ્યો હશે.
નહિતર આ સૃષ્ટિ આટલી જીવંત ન હોત..”

વસુંધરા ઉપર પાણી માટેનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. વરસાદ ધ્વારા પુષ્કળ પાણી મળે છે અને નદી,તળાવો અને સરોવર છલકાય છે. આમ મીઠા પાણી માટે આપણે નદીઓ ઉપર નિર્ભર છે. પર્વતના ઉચા શિખર ઉપરથી નીકળી ઝરણા સ્વરૂપે વહે છે અને અનેક જગ્યાઓથી પસાર થઈ સપાટ મેદાનોમાં વહેતી નદીઓથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. ભારત નદીઓનો દેશ. આપણા દેશમાં નદીને ‘લોકમાતા’ ની ઉપમા આપવામાં આવી છે. લોકો શ્રધ્ધા પૂર્વક તેની પૂજા કરે છે. પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ પણ નદી કાઠેથી જ થયો હતો. લોકો પીવા માટે, કપડાં અને વાસણ ધોવા માટે તેમજ સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ કરે છે. નદીકિનારાનું વાતાવરણ લોકોને સ્વાસ્થ્ય અને સૌંદર્ય પ્રદાન કરે છે.
“જીવવું હોય તો જળ બચાવો”

આજના સમયમાં નદીના પ્રવાહમાં બંધ બાંધવામાં આવે છે ત્યારબાદ તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અનેક જગ્યાએ સિંચાઈની સગવડો આપવામાં આવે છે. નદીની આટલી બધી ઉપયોગીતા હોવાં છતાં લોકોને તેની કિંમત નથી. તેઓ નદીકિનારે ગંદકી કરે છે. નદીના પાણીમાં કચરો ઠાલવે છે. કારખાનાનું દુષિત પાણી ઠાલવે છે. જેના કારણે નદીમાં વસતા જીવોને નુકસાન થાય છે. ભારતની મોટાભાગની નદીઓ તો આજે લુપ્ત થવાના આરે છે. આબોહવામાં પરિવર્તન, ઝડપી શહેરીકરણને કારણે નદીઓના જળ સુકાઈ ગયા છે. નદીઓ વિશે જનજાગૃતિ વધે અને તેમના સંરક્ષણને પ્રોત્સાહન મળે એ માટે દર વર્ષે સપ્ટેમ્બર માસના ચોથા રવિવારે વિશ્વ નદી દિવસ ઉજવવામાં આવે છે.
અમારા બાલભવનમાં પણ વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને ‘પાણી બચાવો અને પાણી પ્રદુષણ’ વિશે વિસ્તૃત સમજુતી આપવામાં આવી હતી અને નાટ્યકૃતિ દ્વારા તાપી માતાની સમજ આપવામાં આવી હતી. જેથી બાળકોને પાણીનું મહત્વ સમજાય અને તેઓ અત્યારથી જ પાણી બચાવવા માટે સજાગ થાય.