gajeravidyabhavanguj
ગાંધી જયંતિ
“લોકલાડીલા પ્રેરણાદાયી મહાત્મા ગાંધીજી.”
“जहां पवित्रता है, वही निर्भयता है |”
જેવા સ્લોગન સાંભળતાની સાથે જ આપણા સૌના પ્રેરણાદાયી લોકલાડીલા ‘બાપુ’ ‘મહાત્મા ગાંધીજી’ ની યાદ આવી જાય છે.બીજી ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ પોરબંદરમાં માતા પૂતળીબાઈની કુખે જન્મેલ મોહનદાસ ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે દિવાદાંડી બનશે, એવું તો દિવાન પિતા કરમચંદે ક્યારેય વિચાર્યું નહીં હોય.
કુંટુંબપ્રિય,સત્યપ્રિય,શૂરા,ઉદાર,લાંચથી દૂર ભાગનારા, શુદ્ધ ન્યાય આપનાર અને રાજ્યના વફાદાર દિવાન પિતાએ પોતાના બાળકોને એવા કેળવ્યા હતા કે સત્ય, અહિંસા, સાદગી, જેવા ગુણો એમના ઉછેર સાથે તેમનામાં વિકસ્યા.
બાળપણથી ડરપોક મોહનભાઈ ‘ગાંધી’, ‘બાપુ’, ‘મહાત્મા’, ‘રાષ્ટ્રપિતા’ બન્યા પણ તેમની આ સફર આસાન નહોતી. પરિવારે મોહનના હાથમાં બાળપણથી જ સત્ય નામનું અમોઘ શસ્ત્ર પકડાવી દીધું હતું. જે મૃત્યુપર્યંત એમની પાસે રહ્યું.
‘ગાંધી કથા’ પુસ્તકમાં શ્રી નારાયણ દેસાઈએ ગાંધીજીના જીવનનો એક પ્રસંગ નોંધ્યો છે કે, પાંચ વર્ષનો મોહન જન્માષ્ટમીના દિવસે પૂજા માટે આસપાસની પિત્તળની મૂર્તિઓ ચોરી લાવવા બીજા છોકરાઓ સાથે જોડાયો. રાધાકૃષ્ણ મંદિરની મૂર્તિઓની ચોરી પણ કરી પણ કાંઈ અથડાતા અવાજ થયો અને પૂજારી જાગી ગયા. જાગીને છોકરાઓની પાછળ પડ્યા પણ પકડી શક્યા નહીં. પૂજારીએ જોઈ લીધું કે ગાંધી કુટુંબના છોકરાઓ પણ એમાં હતા. બીજા દિવસે ફરિયાદ કરવા દિવાન પાસે ગયા. કરમચંદ ન્યાયપ્રિય માણસ બધા બાળકોને વારાફરતી પૂછે છે પણ બધા બાળકોને વારાફરતી પૂછે છે પણ બધા ના-ના જ કરે છે. પણ પાંચ વર્ષના મનુને પૂછ્યું, “મનુ તને કંઈ ખબર છે?” એ કહે હા ખબર છે. અને બધી વાત માંડીને કહી દીધી.પાંચ વર્ષના મોહનદાસને ખબર કે આપણાથી જૂઠું ન બોલાય. ત્યારથી લઈને સાચું બોલવું. એ રટ આખી જીંદગી રહી.
મેટ્રિક સુધી ગાંધીજી એક સામાન્ય વિદ્યાર્થી રહ્યા. અને બેરિસ્ટરનો અભ્યાસ વિલાયતથી કર્યો. વિદ્યાર્થી અવસ્થામાં જ ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે એમના લગ્ન થયા. ગાંધીજી સાથે કસ્તુરબા આજીવન પડછાયાની જેમ સાથે રહ્યા પારિવારિક જીવનમાં ગાંધીજીને હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ એમ કુલ ચાર પુત્રો હતા.
આઝાદીના આંદોલન વખતે એક સ્ત્રી લડતમાં જોડાઈ એણે પોતે પહેરેલા તમામ ઘરેણાની એક પોટલી બનાવી એક અજાણ્યા માણસને આપતા કહ્યું કે...”આ પોટલી મારા સરનામે પહોંચાડી દેજો.” પેલા માણસે આશ્ચર્ય સાથે પૂછ્યું, “તમે મને ઓળખતા પણ નથી તો ક્યાં વિશ્વાસે મને દાગીના આપો છો?” બહેને જવાબ આપતા કહ્યું કે...”આપે ખાદી પહેરી છે એટલે અવિશ્વાસનો પ્રશ્ન જ નથી.”
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી આઝાદી અપાવનાર અને મોહનથી ‘મહાત્મા’, તથા ‘રાષ્ટ્રપતિ’ તરીકેની સફર ખેડનાર મોહનદાસ સૌ પ્યારા ‘બાપુ’ હતા. ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ભારત ભ્રમણ કર્યું હતું.
દાંડીકૂચ,ખિલાફત આંદોલન,ક્વિટ ઇન્ડિયા જેવો આંદોલન દ્વારા અંગ્રેજ હકુમતને હચમચાવી દેનાર ગાંધીજીએ સમગ્ર વિશ્વને નવો રાહ ચીંધ્યો.ગાંધીજીના વિચારોની સમગ્ર વિશ્વ પર એવો વ્યાપક અને ઊંડો પ્રભાવ હતો કે માર્ટીન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા જેવા નેતાઓ ‘આધુનિક ગાંધી’ કહેવાયા. વ્યવસાયના ભાગરૂપે દક્ષિણ આફ્રિકામાં રહેતા ગાંધીનો અંગ્રેજોના અન્યાયનો અનુભવ થયો અને ત્યારથી જ મોહનમાંથી મહાત્માની સફર શરૂ થઈ.
સૌના પ્યારા બાપુ ૩૦ જાન્યુઆરી ઈ.સ.૧૯૪૮ના દિવસે પ્રાર્થનામાં જતી વેળાએ નથુરામ ગોડસેની ગોળીથી વીંધાઈ ગયા.ગાંધીજી વિશે આઇન્સ્ટાઇને કહ્યું, હતું કે,”આપણે ભાગ્યવાન છીએ અને વિધાતાનો આપણે આભાર માનવો જોઈએ કે તેમણે આપણને આવા તેજસ્વી સમકાલીનની દેન આપી કે જે ભાવિ પેઢીને દીવાદાંડીરૂપ છે.