gajeravidyabhavanguj
ગુણવંતી ગુજરાત
“ છે વાણી મારી ગુજરાતીને ભૂમિમાં
ગુજરાત…….......
ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ
ગુજરાત…………”
‘ગુજરાત’ શબ્દ સાંભળતાની સાથે જ એક ગુજરાતીના મનમાં હર્ષ, આનંદ અને ગૌરવની લાગણી આવે છે. ગુજરાતની ધરા ધન્ય છે. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની રહેણીકરણી, ગુજરાતની ભાષા, ગુજરાતની વેશભૂષા, ગુજરાતના પ્રદેશો, ગુજરાત નું લોકનૃત્ય - ગરબા અને ખાસ કરીને ગુજરાતીઓનો ખોરાક દેશ-વિદેશમાં જાણીતો છે. આ તો વાત થઈ માત્ર ગુજરાતની વિશેષતાઓ વિશે પણ ગુજરાતના લોકો એટલે લાગણીનો દરિયો! એટલે જ તો ‘ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી એટલે મોટું ગુજરાત……’ એટલે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત!
આમ જોઈએ તો ભારતની પશ્ચિમ બાજુએ આવેલું આ રાજ્ય ગુજરાત એકમાત્ર ગુજરાત નથી, આખા વિશ્વમાં અનેક નાના નાના ગુજરાત વસેલા છે. કેમ કે દુનિયાના પ્રત્યેક ખૂણામાં વસેલા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિ ક્યારેય છોડતા નથી. ગુજરાતના ઇતિહાસ વિશે જોઈએ તો વૈદિકકાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો જેનો ઉલ્લેખ સોમનાથ મંદિર અને ગિરનાર પર્વતની વાર્તાઓમાં જોવા મળે છે. ગુજરાતના ભવ્ય ઇતિહાસ સાથે - સાથે વિશિષ્ટ ભૂગોળ પણ ધરાવે છે. ગુજરાતમાં નર્મદા, સાબરમતી અને તાપી જેવી નદીઓ આવેલી છે. તો ગિરનાર, પાવાગઢ અને ચોટીલો જેવા પર્વતો આવેલાં છે. ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપી છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.
ગજેરા વિદ્યાભવન -કતારગામનાં ધોરણ - ૬ ના બાળકો દ્વારા ગુજરાતી વિષયમાં સમાવિષ્ટ કાવ્ય - ૧૫ ‘ગુજરાત મોરી મોરી રે….’ કાવ્યમાં આવતા પર્વતો, નદીઓ, રમણીય સ્થળો તેમજ ઐતિહાસિક સ્થળોનું નિરૂપણ નકશાની પ્રવૃત્તિ દ્વારા ઓનલાઈન ક્લાસ દરમિયાન કરવામાં આવેલ. જેનાથી વિદ્યાર્થીઓ ગુજરાત નો પરિચય, વિશિષ્ટ ભૂગોળ અને ભવ્ય ઇતિહાસ વિશે પરિચિત બન્યા.