gajeravidyabhavanguj
કાચા સુતરના તાંતણે બંધાયું, ભાઈ અને બહેનના પ્રેમનું બંધન
Updated: Sep 6, 2022

'ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ- રક્ષાબંધન'
ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. માનવજીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. તહેવારો માનવજીવનને જીવવા યોગ્ય એક અમુલ્ય તત્વ અને સંજીવની છે.
દરેક તહેવારોની પોતાની અલગ-અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા સાથે સમજ, દેશ અને રાષ્ટ્ર માટે કંઈક વિશેષ સંદેશ પણ આપે છે. જેમકે, ‘વિજયાદશમી’ નો તહેવારો જેવી રીતે અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે. ‘દિવાળી’ એટલે આશા, ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ, એ જ રીતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે ‘રક્ષાબંધન’ આ તહેવાર ભાઈના બહેનની આ જીવન રક્ષા કરવાના સંકલ્પને યાદ અપાવે છે. કાકા સાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો ‘તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ.

'રક્ષાબંધન' ભારતની સંસ્કૃતિ નો અગત્યનો તહેવાર છે. ભાઈ-બહેનની આત્મીયતા-સ્નેહનો મહિમા ગાતો ઉત્સવ છે. નાનકડી રક્ષામાં બહેન ભાઈનું હેમક્ષેમ ઈચ્છે છે. સુતરના ધાગામાં હૃદયની ભાવના છે.
“તારના તાંતણામાં ગૂંથીને પ્રેમ,
વીરને રાખડી બાંધવા આવી વ્હાલી બહેન”
હિન્દુ ધર્મમાં તહેવારોનું સવિશેષ મહત્વ રહેલું હોય છે. માં જેવો પ્રેમ અને વાત્સલ્ય બીજું કોઈ જ દાખવી ન શકે. આ બે સબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. રક્ષાબંધનની ઉજવણી અલગ અલગ રીતે અને નામથી પણ થાય છે. ઉત્તરભારતમાં તે કંજરી પૂર્ણિમાના નામથી ઉજવાય છે અને પશ્ચિમ ભારતમાં તેને નાળિયેરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે.
પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી મળે છે. જેમકે, કૃષ્ણ-દ્રોપદી, કુંતા-અભિમન્યુ વગેરે...
'રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના વ્હાલનો દરિયો'

આ દિવસે સાગર ખેડુઓ દરિયાદેવની પૂજા કરી સાગર ખેડવાની શરૂઆત કરે છે. તો વેદજ્ઞ બ્રાહ્મણો જનોઈ ધારણા કરે છે. બાળકોને ભાઈ-બહેનના આ પવિત્ર પ્રેમના ઉત્સવનું મહત્વ સમજાય એ માટે આજરોજ અમારા બાલભવનમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ નાટયકૃતિ દ્વારા ભાઈ-બહેનના પ્રેમને દર્શાવ્યો. બાળકોને એકટીવીટી દ્વારા રાખડી અને ડીશ ડેકોરેશન કરતા શિખવાડયું તેમજ વૃક્ષોનું મહત્વ સમજાવી તેને બચાવવાના શપથ લેવડાવી તેને પણ રાખડી બાંધી સરહદ પરના દેશનું રક્ષણ કરતાં સૌનિકોનું મહત્વ બાળકોને સમજાય એ હેતુથી તેમણે પણ રાખડી બંધાવી બાળકોએ ડાન્સ કર્યો અને પોતાના સહઅધ્યાયીઓને રાખડી બાંધી આ પવિત્ર તહેવારની ઉજવણી કરી.
“ભાવ-સ્નેહનું સતત સર્જન,
અનેરું બંધન રક્ષાબંધન,
રેશમનો તાર, એક અનોખો સંસાર,
એ છે રક્ષાબંધનનો તહેવાર...”
