gajeravidyabhavanguj
આવી રૂડી રંગીલી નાતાલ....
"ચંદ્રએ તેની ચાંદની વિખેરી, અને તારાઓએ આકાશને સજાવ્યું છે,
લાવી ભેટો પ્રેમ અને આમનની, જુઓ સ્વર્ગથી કોઈ ફરિસ્તો આવ્યો છે.”

દરેક તહેવાર પોતાનું આગવું અને વિશેષ મહત્વ ધરાવે છે. તેમાં પણ પ્રેમ, દયા, મિત્રતા, ક્ષમા અને સમર્પણનો તહેવાર એટલે ‘નાતાલ’.દુનિયામાં જેટલા પણ તહેવારો ઉજવાય છે. તેનો હેતુ માત્ર પ્રેમ છે. તહેવારોની શરૂઆત માત્ર એકતા જાળવવા માટે કરવામાં આવે છે.

ખ્રિસ્તીઓ માટે નાતાલનું ઘણું મહત્વ છે. આ તહેવાર ભગવાન ઈસુના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે. નાતાલનો તહેવાર ફક્ત ખ્રિસ્તીઓમાં જ નહીં પરંતુ તમામ ધર્મોમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ક્રિસમસનો તહેવાર ૧ દિવસનો નથી પરંતુ સંપૂર્ણ ૧૨ દિવસનો તહેવાર છે અને આ તહેવાર ક્રિસમસની પૂર્વ સંધ્યાએ શરુ થાય છે.
આ પરંપરાઓનું મુખ્ય કેન્દ્ર ભગવાન ઈસુનો જન્મ છે. ઈસુનો જન્મ મધ્યરાત્રિએ એક તબેલા(ગભાણ) માં થયો હતો. ઈસુએ તેમના જીવનભર માનવ કલ્યાણની દિશામાં કામ કરવાનું ચાલુ રાખ્યું એટલું જ નહીં જયારે તેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા ત્યારે પણ તેમણે લોકોને ક્ષમા કરવાની પ્રેરણા આપી હતી.
આ દિવસે દેવળોમાં હાજરી આપીને પ્રભુની ભક્તિનું વિશેષ મહત્વ હોય છે. નાતાલના સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોને સુશોભન કરે છે અને ભેટ-સોંગાદોની આપ લે કરે છે.

ઘરોના પ્રાંગણમાં ક્રિસમસ ટ્રી (દેવદારનું વૃક્ષ) શણગારી મુકવામાં આવે છે. આધુનિક ઉજવણીમાં સૌથી વધારે પ્રખ્યાત બનેલું પાત્ર સાંતાકલોઝ છે. એક એવું કાલ્પનિક પાત્ર કે જે નાતાલના દિવસે ભેટ સોગાદો આપે છે.
સાંતાકલોઝ એટલે સંત નિકોલસ જે ચોથી સદીના ધર્માધ્યક્ષ હતા જે નાના બાળકોનું ખુબ જ ધ્યાન રાખતા તેઓ ખુબ ઉદાર સ્વભાવના હતા અને ભેટ-સોંગાદો આપતા.

બાળકોમાં પ્રેમ અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા બનાવી રાખવા માટે તેમજ એકતા અને સર્વધર્મ સમભાવનાની સમજ કેળવાય એ હેતુથી અમારા બાલભવનમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ ઈસુના જન્મની સમજુતી નાટ્યાત્મક રીતે આપી હતી. તેમજ બાળકોએ ખુબ જ સુંદર ડાન્સ કર્યો તેની સાથે જ ‘ચોકલેટ મેકિંગ’ એકટીવીટી દ્વારા બાળકોને ઘરમાં જ ચોકલેટ બનાવતા શીખવાડીયું હતું. બાળકો એ સાંન્તાની ટોપીમાં રૂ વડે ચીટકકામ અને અંગુઠાનું છાપકામ કર્યુ. નકામા સફેદ મોંજા માંથી સ્નોમેન બનાવતા શીખવાડીયું. બાળકોએ ક્રિસમસના તહેવારને લગતા અવનવા પ્રોજેક્ટ બનાવ્યા.
"આવી રૂડી, રૂડી રંગીલી નાતાલ હો,
ઝળહળ, ઝળહળ ઉગ્યો તારો.....,
તારણ હારો જન્મ્યો આજે,
ઉમંગ ઉરમાં પ્રગટ્યો આજે,
આનંદી નાતાલ આવી આનંદી નાતાલ."