gajeravidyabhavanguj
આજનું બાળક એટલે હસતું, રમતું, કિલ્લોલ કરતું બાળક
"ચાલો ખુશિયા બીખેરતે જાયે,
કિસી રોતે હુએ બચ્ચે કો હસાતે જાયે"

હાસ્ય એ જીવવાની એક અદ્દભુત કળા છે. નાની-નાની ખુશીઓથી જીવનને ભરી લેવું એ સારી સેહત ની નિશાની છે. હાસ્ય દ્વારા કેટલાક રોગોનો ઈલાજ પણ કરવામાં આવે છે. તેથી જ તો ઈશ્વરે બાળપણને ચિંતા થી દુર અને હાસ્યથી ભરપુર રહેવાનું વરદાન આપ્યું છે.
આજનું બાળકએ આવતીકાલનું સ્મિત છે, જેમ કે નાનું બાળક જયારે હસે છે, ત્યારે તેમનું હાસ્ય નિર્દોષ જ હોય છે. તેમના હાસ્યમાં કોઈ પણ પ્રકારની મિલાવત હોતી નથી. આજનું બાળક જો તંદુરસ્ત બને તો આવતી કાલનું રાષ્ટ્ર તંદુરસ્ત.

હાસ્ય તો આપણા જીવનનો જીવંત અરીસો છે. મન જયારે નબળુ પડે ત્યારે હાસ્ય એને બળ આપે છે જીવનમાં હાસ્યનું સ્થાન અનન્ય છે. જીવન જીવવાની ઉત્તમ કળા તો હસતાં હસતાં જીવી લેવાની છે.પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનું થઇ જાય છે. તેમ જીવનમાં હાસ્ય એક અનોખી અને સોના જેવી અમુલ્ય ભેટ આપે છે. બાળકના ઘડતરમાં કુટુંબ અને શાળા મહત્વનો ભાગ ભજવે છે.
'કુટુંબ એટલે બાળ વિકાસનું પારણું અને શાળા એટલે બાળ વિકાસનું બારણું'

કુટુંબમાં બાળકની ઈમોશનલ કેર લેવાય તે ખુબ જ જરૂરી છે. આજે બાળકને ‘શૈશવની દુનિયા’ માણવા મળતી નથી! બાળઉછેરમાં પણ અનુભવનું ભાથું જોઈએ. દિન-પ્રતિદિન કુટુંબો વિભક્ત થવા લાગ્યો. બાળકોને દાદા-દાદીનું સાનિધ્ય, તેમનો પ્રેમ, તેમનો બાળઉછેરનો અનુભવ મળતાં બંધ થયો. વિજ્ઞાન કહે છે,
જે બાળકોને નાનપણમાં ખુબ પ્રેમ મળ્યો હોય છે તેઓ જીવનની દરેક કઠીન સમસ્યાઓનો સહેલાઇથી સામનો કરે છે એટલું જ નહિ નિષ્ફળતાના સમયે પણ તેમનામાં ટકી રહેવાની શક્તિ અન્યોની સરખામણીમાં વધારે હોય છે.
'હાસ્ય એ એવી ભાષા છે જેને બાળક પણ સમજી શકે છે'

સંપત્તિ અને સંતતિ સાચવવી હોય તો બાળકોને સંસ્કાર આપો; બાળકોમાં ગજબની અનુકરણ શક્તિ હોય છે. ઘર હોય કે શાળા તેઓ જે સંભાળે છે તેના કરતાં જે જુએ છે તેને અનુસરે છે. એટલે કે આપણે જે કહીએ છીએ તે કદાચ કરે પણ ખરા અને ના પણ કરે પરંતુ આપણે જે કરીએ તેવું જ આચરણ તે કરવા પ્રેરાય છે.
બાળકોના વર્તનમાં પરિવર્તન લાવવાનો એક જ રામબાણ ઈલાજ છે. જે વ્યવહારની અપેક્ષા આપણે બાળકો પાસેથી રાખીએ છીએ એવો જ વ્યવહાર આપણે અન્ય સાથે રાખવો જોઈએ. સ્વચ્છતા, વ્યસનમુક્તિ, નિષ્ઠાસેવા, સહકાર, અહિંસા જેવા મુલ્યોનો પાઠ માત્ર આચરણથી જ શીખવી શકાય છે.