gajeravidyabhavanguj
અંધારામાં એક આશાનું કિરણ એટલે ‘મિત્ર’

'મિત્રતાની મીઠાશ' એ શબ્દ સાંભળતા જ મને એક ખુબ સુંદર પંક્તિઓ યાદ આવે છે. 'ફક્ત જીંદગીની એક માત્ર ચાસણી એટલે મિત્રતાની લાગણી' મિત્ર એટલે અવ્યક્ત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ.

એક સાચો મિત્ર કડવા લીમડા જેવો હોય છે. લીમડો સ્વાદે કડવો લાગે પણ ગુણકારી હોય છે. તેમ સાચો મિત્ર પણ આપણને નાની-નાની વાતમાં રોકટોક કરતો હોય છે, તો ક્યારેક વડીલ બની સલાહ આપતો હોય, તો ક્યારેક હકથી બે થપ્પડ મારી દઈને પણ સાચી વાત સમજાવે છે ત્યારે તે કડવો જરૂર લાગે છે પરંતુ સમય જતાં ગુણકારી બની રહે છે. દરેક પરિસ્થિતિમાં આપણને કોઈ સાચવી લે છે તો એ મિત્ર જ છે. મિત્ર એટલે તો,
"નામ વગરનો નાતો, પણ સૌના હૈયે સમાતો"
'મિત્રતા' વિશે કહેવું હોય તો શબ્દો ઓછા પડે, આ તો અવિસ્મરણીય અને અવર્ણનીય સબંધ છે કે જ્યાં તમે હાથ ફેલાવો ને એ હૈયું આપી દે ! એવું ક્યાંક વાંચ્યું હતું કે ઈશ્વર જેને આપણી સાથે લોહીના સબંધ જોડવાનું ભૂલી ગયા હોય ને, ત્યારે એવી વ્યક્તિને 'મિત્ર' ના નાતે આપણા જીવનમાં સ્થાન આપી પોતાની ભૂલને સુધારી લે છે. મિત્ર દ્વારા બોલાયેલા હુંફ ભર્યા વાક્યોમાં બધા જ કષ્ટને છુમંતર કરી દેવાની અદ્દભુત ટેકનીક હોય છે. માટે જ તો કહ્યું છે કે,
“એક સારું પુસ્તક એક સારા મિત્ર બરાબર છું,
પણ એક સારો મિત્ર સો પુસ્તકો બરાબર છે”

મિત્રતા એક એવો સબંધ છે. જે માણસ પોતે બનાવે છે નહીતર બાકીના બધા સબંધો જન્મ થી જ બની જાય છે. મિત્રતા એક વિશ્વાસપાત્ર અને નિષ્ઠાવાન સંબધ છે. સાચી મિત્રતા જીવનમાં ઘણાં યાદગાર મીઠા અને ખુશનુમા અનુભવ આપે છે. કોઈના જીવનમાં મિત્રતા બહુમુલ્ય સંપત્તિ છે.
“દોસ્તી હોય તો સુદામા-કૃષ્ણ જેવી હોવી જોઈએ,
એક કશું માંગતો નથી, એક બધુ જ આપીને જણાવતો નથી!”

૧૯૫૩માં યુ.એસ. ની કોંગ્રેસ "રાષ્ટ્રીય મિત્રતા દિવસ" તરીકે ઓગષ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જાહેર કરવામાં આવ્યો હતો. મિત્રો સાથેના આ સુંદર સંબધને માન આપવાનો આ ઉમદા વિચાર 'મિત્રતા દિવસ' તરીકે ખુબ ઉત્સાહથી ઉજવાય છે.
અમારા નાના બાળકોને મિત્રતાનું મહત્વ સમજાય એ હેતુથી અમારા બાલભવનમાં ‘ફ્રેન્ડશીપ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ નાટ્યકૃતિ દ્વારા મિત્રોનું મહત્વ સમજાવ્યું. બાળકો ડાન્સ કર્યો અને પોતાના મિત્રોને ફ્રેન્શીપ બેલ્ટ બાંધી મિત્રતા દિવસની ઉજવણી કરી.
“મિત્રો એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ ભલે રહે, દુઃખમાં આગળ હોય”
